17/10/2024
તા. ૧૬ ઓક્ટોબર - બુધવાર
શરદપૂર્ણિમા ઉત્સવ - આત્મીય વિદ્યાધામ (બાકરોલ)
આસો મહિનાની શુક્લપક્ષની પૂર્ણિમા એટલે "શરદપૂર્ણિમા" જે ઉત્સવની ઉજવણી આત્મીય વિદ્યાધામ પરિસરમાં પ્રગટ ગુરૂહરિ પ. પૂ. પ્રબોધજીવન સ્વામિજી મહારાજનાં પ્રત્યક્ષ સાનિધ્યમાં તથા સંતો
ની વિશેષ ઉપસ્થિતિમા હરિપ્રબોધમ પરિવારનાં મુક્તો સાથે સમગ્ર આણંદ અને વિદ્યાનગરના દિગ્ગજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખૂબ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો.
શરદપૂર્ણિમા એટલે ભગવાન શ્રીસ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાનાં સાચાં અનુગામી અ. મૂ. અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીજીનો ૨૪૦ મો પ્રાગટય દિન. જેમણે ભક્તિ માર્ગને અનુસરતા સર્વે સાધકો માટે દાસનાં દાસ બની સેવા-ભક્તિ કરીને અનુપમ આદર્શ પ્રસ્થાપિત કર્યો.
શરદપૂર્ણિમા એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય ચેતનાને ધારણ કરનાર સુહૃદ સમ્રાટ ગુરૂહરિ શ્રી હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો ૫૯ મો ભાગવતી દીક્ષા દિન જેમણે પોતાના નિઃસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમથી સુહૃદ સમાજનું સર્જન કરી ગુરૂવર્ય યોગીજી મહારાજનાં હૈયે હાશ કરાવી અને લાખો યુવાનોમાં સેવા અને સ્વધર્મની ભાવના પ્રજ્વલિત કરી.
ગુણાતીત સંત પ્રણાલિકા એક જીવંત પ્રણાલિકા છે જેને વર્તમાનકાળે ગુરૂહરિ શ્રી હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં આધ્યાત્મિક અનુગામી એવાં પ્રગટ ગુરૂહરિ પ.પૂ. પ્રબોધજીવન સ્વામિજી મહારાજે સુહૃદભાવની ગંગોત્રીને અસ્ખલિત વહેતી રાખીને ભક્તિ અને પરાભક્તિ અદા કરીને ચેતનવંતી રાખી છે.
શરદપૂર્ણિમા ઉત્સવ ઉપક્રમે પ્રગટ ગુરૂહરિ પ.પૂ. પ્રબોધજીવન સ્વામિજી મહારાજે સમગ્ર હરિપ્રબોધમ પરિવારનાં સર્વે હરિભક્તોને સવિશેષ આશિર્વાદ આપી ધન્ય અને કૃતાર્થ કર્યા હતા. ગુરૂહરિએ પરાવાણી દ્વારા ગુણાતીતનો મહિમા સમજાવતા કહ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના ધામરૂપ ગુણાતીતાનંદ સ્વામીજી ને પોતાની સાથે ધરાતલને વિશે ના લાવ્યા હોત તો અનંત મુમુક્ષુઓને ભક્તિ માર્ગ નો ખ્યાલ જ ન આવ્યો હોત, ભગવાન સાથે કેવી રીતે સંબંધ દૃઢ કરવો એનો સમ્યક્ ખ્યાલ ના આવ્યો હોત. મનુષ્ય જીવન ની સાર્થકતા પ્રભુ પ્રત્યેની ભક્તિ અને ભક્તો પ્રત્યેની પરાભક્તિ કરવી એ જ છે. આપણે પણ એવાં સુહૃદભાવથી જીવન જીવી હરિપ્રબોધમ યુવા મહોત્સવ ૨૦૨૫ને પોતાનો બનાવી ગુરૂહરિ શ્રી હરિપ્રસાદ સ્વામીજી મહારાજના હૈયે હાશ કરાવવી છે એવો સંકલ્પ કરાવ્યો હતો.
આ ઉપક્રમે અતિથિ વિશેષ તરીકે માનનીય શ્રી પ્રવીણભાઈ ચૌધરી સાહેબ (આણંદ જિલ્લા કલેકટર), અલ્પેશભાઈ લિમ્બાચીયા (કોર્પોરેટર વડોદરા), નૈતિકભાઈ શાહ (કોર્પોરેટર), હર્ષભાઈ શેઠ (મહામંત્રી, વોર્ડ ૫), નિપાબેન (ગુજરાત મહિલા મોરચા મંત્રીશ્રી), હિતેનભાઈ મોહિતે (ઉપપ્રમુખ, વોર્ડ ૫), મિલનભાઈ શુક્લા (DDO, આણંદ), ચિરાગભાઈ બારોટ (ડિપ્યુ. મેયર), વસંતભાઈ પટેલ (પ્રમુખશ્રી), જયેશભાઈ (પ્રમુખશ્રી), નિહિરભાઈ દવે (રોટરી ક્લબ, સમગ્ર ટીમ), ધીરૂભાઈ (શ્રીરામ બિલ્ડર), બાદલભાઈ પટેલ (ધર્મજ જીલ્લા પંચાયત) તથા પ્રણવભાઈ પટેલ (સરપંચ, સેવાલિયા) વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી મહાઆરતીનો વિશેષ લાભ પ્રાપ્ત કર્યો હતો.
આ ઉત્સવમાં આણંદ અને નડિયાદ જીલ્લામાંથી અંદાજિત ૧૦,૦૦૦ જેટલા હરિપ્રબોધમ પરિવારનાં મુક્તોએ શરદપૂર્ણિમાનો સુંદર લ્હાવો માણ્યો હતો.
ઉત્સવનાં અંતે પાંચમી મહાઆરતી પૂર્ણ થયા બાદ દૂધ-પૌવાનો વિશેષ પ્રસાદ ગ્રહણ કરી સમગ્ર હરિપ્રબોધમ પરિવારોએ પોતાના ગંતવ્ય સ્થાન તરફ પ્રયાણ કર્યું હતું.