02/05/2026
ઉના શહેરના અનેક વિસ્તારોને રાજ્ય સરકારે
'અશાંત વિસ્તાર' તરીકે જાહેર કર્યા છે, જેના
પગલે 'અશાંત ધારા'નો અમલ શરૂ થયો છે.
મહેસૂલ વિભાગ દ્વારા 1 મે, 2026ના રોજ પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર, આ ધારો આગામી પાંચ વર્ષ માટે, એટલે કે 30 એપ્રિલ, 2031 સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામું ગુજરાત પ્રોહિબિશન ઓફ ટ્રાન્સફર ઓફ ઈમ્યુવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવિઝન ફોર પ્રોટેક્શન ઓફ ટેનન્ટ્સ ફ્રોમ ઈવિક્શન ફ્રોમ પ્રિમાઈ સીસ ઇન ડિસ્ટર્બ્સ એરિયાઝ એક્ટ, 1991ની કલમ-11 હેઠળ બહાર પાડવામાં આવ્યું છે. આ કાયદા હેઠળ, રાજ્ય સરકારે ગીરસોમનાથ કલેક્ટરની તમામ સત્તાઓ ઉના પ્રાંત અધિકારી અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને સોંપી દીધી છે.
હવેથી ઉના શહેરના અશાંત જાહેર થયેલા વિસ્તારોમાં કોઈપણ સ્થાવર મિલકતનું વેચાણ, ભાડાપટ્ટો, ગીરો કે ભેટ કરવા માટે પ્રાંત અધિકારી, ઉનાની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. આ અંગેનો આદેશ ગુજરાતના રાજ્યપાલના નામે નાયબ સચિવ ડી.બી. નિમાવત દ્વારા જારી કરવામાં આવ્યો છે.
જાહેરનામા સાથે જોડાયેલા શેડ્યૂલ મુજબ, ઉના પોલીસ સ્ટેશન હેઠળના વોર્ડ નંબર 1, 2 અને 4ના વિસ્તારોને 'અશાંત વિસ્તાર' તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આ વિસ્તારોની 500 મીટરની હદમાં આવતા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.અશાંત ધારા હેઠળ તુલસીધામ સોસાયટી, સાજનનગર, ભક્તિનગર, એમ.કે.પાર્ક, આંબાજીનગર, દયાનંદ સોસાયટી, મંત્રી સોસાયટી, ગિરિરાજ સોસાયટી, સ્વામિનારાયણ સ્કૂલ, સુવર્ણ બાગ, દુધેશ્વર, હોસ્પિટલ એરિયા, કર્મચારી સોસાયટી, જવાહર સોસાયટી, નૂતન સોસાયટી, અનમોલ સોસાયટી, હજરત શાહ દરગાહ, મહેતા હોસ્પિટલ, હિન્દુ સ્મશાન, માર્કેટિંગ યાર્ડ, બસ સ્ટેશન, પટેલ કોલોની, ગુલમહોર પાર્ક, રહીમનગર, સહજાનંદનગર-1 અને 2 સહિત અનેક સોસાયટીઓ અને વિસ્તારોનો સમાવેશ થાય છે. શેડ્યૂલમાં દર્શાવેલ સર્વે નંબર અને ફાયનલ પ્લોટ નંબર મુજબના તમામ વિસ્તારોમાં પણ આ ધારો લાગુ પડશે.આ વિસ્તારોમાં કોઈપણ મિલકતનું વેચાણ, ખરીદી, ભાડાપટ્ટો કે ભેટ કરતા પહેલા પ્રાંત અધિકારી, ઉનાની લેખિત મંજૂરી લેવી ફરજિયાત છે. ખરીદનાર અને વેચનારે એફિડેવિટ આપવી પડશે કે સોદો દબાણવગર, સ્વૈચ્છિક રીતે અને બજાર કિંમતે થયો છે. મંજૂરી વગર કરેલું વેચાણ ગેરકાયદેસર ગણાશે અને તેમાં 6 માસથી 5 વર્ષ સુધીની કેદ તથા 1 લાખ સુધીના દંડની જોગવાઈ છે.