22/05/2026
*ચેતવણી – આ હળવી નવલકથા નથી. આ વાંચ્યા પછી કેટલાક દિવસો સુધી વિચારો પીછો નહીં છોડે.*
*શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ સંચાલિત લાઇબ્રેરીમા રહેલા ધ્રુવ ભટ્ટ લિખીત"ન ઇતિ...!" પુસ્તકનો પરિચય*
‘ન ઇતિ’ એટલે "આ નહીં... આ પણ નહીં". શાસ્ત્રોમાં ‘નેતિ નેતિ’નો ભાવ અહીં ભવિષ્યના માણસ માટે વાપર્યો છે.
કવર પર ઇબુ પર્તિવી – ઇન્ડોનેશિયાના રાષ્ટ્રીય મ્યૂઝિયમમાં રાખેલી પૃથ્વી દેવીની મૂર્તિ છે.
*મુખ્યપાત્રો* :-કી ટેન,ઝી એમ,પિરથી,લુનેરી,પાધા,વેધા,ક્ષેત્રી, શાકંભરી, ઓન્તુ,અકૂર્ચ, અલ્લામા, વશી, કાશ્તી, વાપ્તી....
માણસો હવે માણસ નથી. દરેકના મગજમાં એક ‘ચિપ’ બેસાડેલી છે.ચિપ માણસની ‘સ્મૃતિ’ અને ‘સ્વતંત્ર ઇચ્છા’ છીનવી લે છે.ટેક્નોલોજી સાધન મટીને ધ્યેય બને ત્યારે માણસ ખોવાય છે. નામ, લાગણી, સંબંધ – બધું સુપર કમ્પ્યુટર નક્કી કરે. બધાને Key નંબરથી ઓળખવામાં આવે છે. ‘Key-10’ બીજા બધા ‘Keyz’ કરતાં જુદો છે. એ ચિપના કંટ્રોલને તોડીને ‘લાગણી અનુભવવા’ અને ‘જીવવા’ માંગે છે.
ટેક્નોલોજી જ્યારે માણસપણું છીનવી લે ત્યારે શું થાય તેની ભયાનક કલ્પના, અને
અનેક વિનાશો પછી જાગેલી નવી પૃથ્વી.Key10 એક અકસ્માતથી ભુઇ પર આવે છે, ત્યાં પિરથી નામના પાત્રની સાથે આધ્યાત્મિક ચર્ચા થાય છે.
*અસ્વસ્થતા* : પહેલો ભાગ વાંચીને આપણે પોતાના મોબાઈલ સામે જોઈએ – શું આપણે પણ ધીરે ધીરે ‘ચિપવાળા’ થઈ રહ્યા છીએ?
*આશ્વાસન* : બીજો ભાગ કહે છે – ગમે તેટલો વિનાશ થાય, ધરતી ફરી લીલી થશે. માણસ ફરી ‘માણસ’ થશે.
*વાંચતા વાંચતા ઘડિક થોભવા જેવું* 👇
✍️ઈજા વગર થતી પીડા અસહ્ય હોય છે અને તેને શમાવવા માટે કોઈ ઉપાય નથી હોતા.
✍️દરેક યુગે માનવમનને મૂંઝવતો રહેલો મહાપ્રશ્ન આજે કીના મનને મૂંઝવી રહ્યો, “કશુંક રહસ્યમય છે જે પોતાને, ઝી—વનને અને કદાચ દરેકને માટે બધું જ નક્કી કરે છે. તે શું છે, કોણ છે, ક્યાં છે અને કઈ રીતે આ બધું કરે છે?”
✍️ 'માણસો પાસેથી કામ લેવાની રીતિ અવારનવાર સુધરતી અને બદલાતી રહી છે. પરંતુ વૃત્તિ કોઈ કાળમાં બદલાઈ નથી.’
✍️‘દરેક યુગે પૃથ્વી પોતાની જાતે અથવા કુદરતે ધરેલા અવતારે કરીને તો બચી છે.’
✍️ વિદ્યા માત્ર જોવા, જાણવાથી નથી શિખાતી, પંચેન્દ્રિયો દ્વારા તેને આત્મસાત કરવી પડે છે.
✍️સદા સંતાયેલી રહેતી ચીજ માણસને જેટલો સાથ આપે છે તેટલો જ દગો પણ દઈ શકે છે.
આવું હોવા છતાં મનુષ્યે કપરા સંજોગોમાં સૌથી વધુ આધાર નસીબ અને અનિશ્ચિતતા પર જ રાખવો પડે છે.
✍️જાનના જોખમે ખેડેલું સાહસ સફળ થવાની અણી પર હોય અને એક-ઝટકે બધુંયે વેરવિખેર થઈને પડી ભાંગે ત્યારે અંદરથી તૂટી જવાય છે.
✍️ અમારે માટે રહેવું અગત્યનું નથી. સાથે હોવું મહત્ત્વનું છે.
✍️ જલ્પકે કહ્યું અને ઉમેર્યું, ‘ખાટલી ભરતાં ન આવડતું હોય તો જા, આટલામાં ક્યાંક કરોળિયા જાળાં બનાવતા હશે તે જોઈ આવ.ખાટલી ભરતાં તો શું કપડાં વણતાંયે આવડી જશે.
✍️ પ્રકૃતિનો એ જ નિયમ છે. કુદરત તમને અનુભવવા દે છે. પોતે એક શબ્દ બોલતી નથી. નથી તો તે દલીલો કરતી. તોયે કશું ને કશું તમને સતત જણાવ્યે રાખે છે. કી, બીજાનો સ્વીકાર એટલે શું તે આપણને સમજાવે તેવી એક અમોઘ શક્તિ કુદરત પાસે છે. તાદાત્મ્ય.'
✍️પ્રકૃતિનો દરેક અંશ એકબીજાને અનુકૂળ થઈને જ પોતાને ટકાવે છે અને બીજાને નકારતો નથી. ન તો તે બીજાના મહત્ત્વને ઓછું થવા દેતો.’
✍️ભાષા તો વાણીનો બહુ નાનો હિસ્સો છે. તે ન સમજાય તોયે અભિવ્યક્તિ અટકી પડતી નથી. અને મૌન પણ અભિવ્યક્તિનું એક બળવાન માધ્યમ છે.' કહીને શાસ્તા મોટેથી હસ્યો અને આગળ બોલ્યો, ‘ક્યારેક તો શબ્દો કહી શકે તેના કરતાં શરીર ઘણું વધુ કહી જાય છે. એટલે તો નૃત્યો અને નાટકો સર્વવ્યાપી થયાં.
✍️ ‘કોઈ સ્થળે એક-બે રાત સૂવાથી જ જો તે સ્થળ ‘તારી જગ્યા’ થઈ જતી હોય તો તને એક સ્થળે પળભર સૂવા પણ ન દેવાય. લાંબો સમય રહેવાની વાત તો પછી આવે.’
✍️જાતને કે જગતને સમજવાના પ્રયત્નોને અંત નથી.
✍️ પરિવર્તન આપોઆપ આવે અને આપણે લાવીએ તેમ બન્ને રીતે થઈ શકે. બીજાં પણ ઘણાં કારણો બધું બદલી નાખે છે. તેમાંથી શું ઇષ્ટ છે તે તો સમય જ કહી શકે.
✍️ભૂઈમાં નાનો વીરડો પણ ગાળશો નહીં.
એકેએક ભૂઈવાસી જાણે છે કે ભૂઈમાંથી કશું લેવાય નહીં. ભૂઈને તસુ પણ ઉલેચાય નહીં. ભૂઈને ખાલી કરવાની નથી. કારણ કે તે પોતાની, અંદરની ઊર્જા ઉપર તો જીવે છે અને તમને જિવાડે છે.
ધરતીની અંદરની ઊર્જા પણ તમે લઈ લેશો તો તે જીવશે શી રીતે?
✍️પિરથીએ કહ્યું, ‘કોઈએ કોઈના જેવું વિચારવાનું કે સમજવાનું હોતું નથી. તું તું જ રહે તે પૂરતું છે.’
✍️‘તું સાથે લાવ્યો છે તેના વડે, તેં તારી અંદર કંઈ નવું નિર્માણ કર્યું ન હોય તો તેનો ઉપયોગ ક્યારેય ન કરતો.’