20/02/2026
ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે નિસર્ગ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી.
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના ઉપક્રમે સમગ્ર ગુજરાતમાં માતૃભાષા મહોત્સવ–૨૦૨૬ અંતર્ગત અંદાજે ૫૫૧ જેટલા સ્થળોએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે. આ અનુસંધાને ગુજકોસ્ટ પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને પ્રગતિશીલ શિક્ષણ દ્વારા તા. ૨૦/૦૨/૨૦૨૬ ના રોજ નિસર્ગ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ભવ્ય રીતે યોજાઈ.
કાર્યક્રમમાં ડૉ. કુબેરભાઈ ડીંડોર (પૂર્વ શિક્ષણ મંત્રી, ગુજરાત રાજ્ય) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શ્રી નિસર્ગ આહીર, સુશ્રી પ્રજ્ઞાબેન પટેલ, શ્રી નરેશ ઠાકર, ડૉ. નરેશકુમાર દવે તથા ડૉ. અનિલ કે. પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નાથીબા કોલેજની વિદ્યાર્થીનીઓ વિશેષ ઉપસ્થિત રહી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. અનિલ કે. પટેલ દ્વારા મહાનુભાવોનો શાબ્દિક પરિચય આપવામાં આવ્યો. મુખ્ય અતિથિ ડૉ. કુબેરભાઈ ડીંડોરે પોતાના પ્રવચનમાં માતૃભાષા દ્વારા શિક્ષણ પ્રાપ્ત થાય ત્યારે વિદ્યાર્થીમાં સમજણ, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા વધારે વિકસે છે તે બાબત ઉપર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાથી જ્ઞાનનો પાયો મજબૂત બને છે અને વિજ્ઞાન તથા ટેકનોલોજી જેવા વિષયો પણ સરળતાથી ગ્રહણ કરી શકાય છે.
શ્રી નિસર્ગ આહીરે કાવ્યો, પંક્તિઓ, કહેવતો અને રૂઢિપ્રયોગો દ્વારા ગુજરાતી ભાષાની સમૃદ્ધિ અને સંસ્કૃતિ સાથેનો સંબંધ સમજાવ્યો અને દૈનિક જીવનમાં શુદ્ધ ગુજરાતી બોલવાની પ્રેરણા આપી. સુશ્રી પ્રજ્ઞાબેન પટેલે તળપદા તથા વિસરતા જતા શબ્દો, ગુજરાતી જોડણીની શુદ્ધતા અને ગુજરાત રાજ્યની વિવિધ પ્રાદેશિક બોલીઓની વૈવિધ્યતા વિષે વિસ્તૃત માહિતી આપી તથા ભાષા સંરક્ષણ માટે યુવાનોને આગેવાની લેવા અનુરોધ કર્યો.
ડૉ. નરેશકુમાર દવેએ ભાષા અને સમાજ વચ્ચેના સંબંધ અંગે ચર્ચા કરી અને માતૃભાષા માનવીની ઓળખ અને સંસ્કૃતિનું મૂળ આધારસ્તંભ છે તે બાબત ઉપર પ્રકાશ પાડી કાર્યક્રમનું ખુબજ સુંદર રીતે સંચાલન કર્યું.વિદ્યાર્થી પ્રતિનિધિઓ તરીકે નિરાલી પ્રજાપતિ, પૂર્ણા પંડ્યા અને કાવ્યા પટેલે માતૃભાષા મહોત્સવ–૨૦૨૬ અંતર્ગત ગુજરાતી ભાષા વિષે પોતાના સુંદર વિચારો રજૂ કર્યા. કાર્યક્રમના અંતે ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર ના અધ્યક્ષ ડો.ભાગ્યેશ જહા ધ્વારા આપવામાં આવેલ સંદેશો સંભળાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના આયોજનમાં શિવાંગ પટેલ, હાર્દિકભાઈ મકવાણા, હાર્દિકભાઈ ભટ્ટ અને નીલ રાણાએ સક્રિય સહયોગ આપ્યો. અંતે મહાનુભાવોએ માતૃભાષાના સંવર્ધન, સંરક્ષણ અને પ્રચાર માટે સતત પ્રયત્નશીલ રહેવાની અપીલ કરી.
Gujarat Council on Science & Technology (GUJCOST) Dr Kuber Dindor