Vat Sevani

Vat Sevani This page will show you various videos and information on social services running across Gujarat and Other States of India.

*આને કહેવાય સેવા...*"તમે કોઈને રોટલી આપો એને બદલે એને ઘઉં ઉગાડતા શીખવો એ વધું સાર્થક છે"આ ખાલી કોઈ કહેવત નથી, પણ માણસને ...
01/07/2026

*આને કહેવાય સેવા...*

"તમે કોઈને રોટલી આપો એને બદલે એને ઘઉં ઉગાડતા શીખવો એ વધું સાર્થક છે"

આ ખાલી કોઈ કહેવત નથી, પણ માણસને સ્વાવલંબી બનાવવાની ચાવી છે. આમ કરવાથી ખરા અર્થમાં લોકો આત્મનિર્ભર બનવાનું વચન પામી જશે. અને એક સમય એવો આવશે કે લોકો પોતાના કાંડાના બળે પથ્થર ફાડી ને પાણી કાઢવાની આવડતવાળા અને હિંમતવાળા બની જશે. ગાંધીજી પણ કહેતા કે, ' જે દિવસે લોકોને સહાયની જરૂર જ ન પડે, એ દિવસે એનો વિકાસ થયો કહેવાય...'

મનમાં આવો ભાવ રાખીને છેલ્લા એકાદ દાયકા જેટલા સમયથી "ડોક્ટર પંપ" પરિવાર રાજકોટ તરફથી ગુજરાતના અંતરિયાળ એવા ડાંગ જિલ્લાના હરપાળા ગામને દત્તક લીધું છે, અને એન કેન પ્રકારેય ગામના પ્રશ્નો ઉકેલીને ગામને સુખી, સમૃધ્ધ અને આત્મનિર્ભર બનાવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવી રહયો છે.

આ વરસે પણ ગામમાં વસતા તમામ ખેડૂતો જેમ ૧૨૩ પરિવારોનો સમાવેશ થાય છે. તે તમામને એમની જમીન અને આવડતને અનુરૂપ આવે એવા ડાંગરનું બિયારણ ગત તા. ૧૯ જૂન શનિવારના રોજ વિનામૂલ્યે આપવામાં આવ્યું હતુ. આ વિતરણ સમારંભમાં હરપાળા ગામના લોકોને નસીબદાર ગણાવતા સેવાભાવી સંત શ્રી પી.પી. સ્વામીએ કહ્યું હતું કે, "પુરુષોતમ માસ ની સાધના પૂરી કર્યા પછી જાણે પરસોતમભાઈ કમાણી તરફથી આ બિયારણ મળ્યું હોય તો આ ખાલી બિયારણ નથી પણ આજે શનિવારે હનુમાન દાદાનો પ્રસાદ છે એવું સમજજો અને એ જ ભક્તિભાવથી આ બિયારણની વાવણી કરજો. તમારા વરસને સોળ આની કરવાનું કામ ભગવાન ઉપાડી લેશે."

શ્રીમતી સંતોકબેન વેલજીભાઈ કમાણી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ વતી દર વરસે વાવણીની સિઝન શરૂ થાય એ પહેલા હરપાળા ગામના તમામ ખેડૂતોને યુ. એસ., વી. એન. આર જેવી જાણીતી કંપનીઓનું બિયારણ આપવામાં આવે છે. જેમાં આ વરસે હરપાળા ગામના ૧૨૪ ખેડૂતોને ૧૦-૧૦ કિલો બિયારણ આપવામાં આવ્યું હતુ. આમ, કુલ ૧૨૩૦ કિલો બિયારણ ખરીદીને વિતરણ કરવામાં આવ્યું હતુ. આ બિયારણ ખરીદવામાં ગામલોકોએ પણ પોતાની ક્ષમતા મુજબ લોકફાળો એકત્ર કર્યો હતો અને જેમાંથી અમુક ભાગ ગામમાં મંદિરના વિકાસ માટે પણ ખર્ચવામાં આવશે.

પી.પી. સ્વામીજીએ આ પ્રસંગે લોકોને એવી ઉમદા વાત પણ જણાવી હતી કે, "ડોક્ટર પંપ તરફથી ગામને જે સામિયાના, વાસણનો સેટ આપવામાં આવ્યો છે તેમાંથી ગામને આવક શરૂ થઈ છે તે આવકના પૈસામાંથી ગામ માટે જ એક "ઈમરજન્સી ફંડ" તૈયાર કરવામાં આવે અને આ ફંડમાંથી ગામના લોકોમાં ક્યારેય પણ વ્યક્તિગત કે ગામની કોઈપણ બીમારી કે ઈમરજન્સી આવી પડે તો કોઈપણ અપેક્ષા વગર આ ફંડમાંથી મદદ કરવામાં આવે. એવું આયોજન થાય તો તમારા ગામમાંથી કોઈપણ કદી દુઃખી નહીં થાય.

આવું દાન ખરા અર્થમાં ઉપયોગી દાન છે.

30/01/2026
30/01/2026

અધૂરી જિંદગીઓને ભરપૂર બનાવે છે આ સંસ્થા...

અંધ, અપંગ અને મનોદિવ્યાંગ દીકરીઓને આત્મવિશ્વાસ, શિક્ષણ અને કૌશલ્ય આપીને સન્માનયુકત જીવન બક્ષે છે આ મંથન સંસ્થા.

ગુજરાતની રાજધાની ગાંધીનગરથી ત્રીસેક કિલોમીટર કલોલ તાલુકાના હાજીપુર ગામમાં આવેલી આ મંથન સંસ્થા છેલ્લા ૩૫ વર્ષોથી આવી દીકરીઓ માટે સેવા અને સમર્પણથી ખરાઅર્થમાં દેશસેવાનું કામ કરી રહી છે.

આવો જાણીએ આ સંસ્થાની સેવા ભાવના વિશે...




24/01/2026
મા+મા = મામા... ગાંધીનગર જિલ્લાના એક નાનકડા એવા કોઈ ગામમાં પંદરેક વર્ષ પહેલા કોઈ એક પરિવારમાં માનસિક દિવ્યાંગ છોકરીનો જન...
23/01/2026

મા+મા = મામા...

ગાંધીનગર જિલ્લાના એક નાનકડા એવા કોઈ ગામમાં પંદરેક વર્ષ પહેલા કોઈ એક પરિવારમાં માનસિક દિવ્યાંગ છોકરીનો જન્મ થયો. નામ એનું રાખ્યું દિવ્યા (નામ બદલ્યું છે.) વર્ષ જલ્દી વીતે, પણ એ દીકરીના માનસનો વિકાસ ધીમો થાય. એના પિતાને આ ગમે નહીં, અફસોસ અને શરમ થાય કે દીકરી તો ગાંડી છે. એવા વિચારમાં ને વિચારમાં પરિવારમાં ઝઘડો થાય છે... " તારે પેટ તો આવું ગાંડુ જન્મ્યું છે " કહી ને દીકરી અને એની માતાને ઘરમાંથી કાઢી મૂકે છે. પછી આ "નિરાધાર" દીકરીને આધાર મળે એ માટે આવી દીકરીને સાચવતી હાજીપુર ગામની સંસ્થામાં મૂકી આવે છે.

સંસ્થામાં સંચાલક જેવા દેખાતા કોઈ વડીલ એ દીકરીને બીજી દીકરીઓની જેમ જ સંસ્થામાં સાચવી લ્યે છે. પણ ખબર નહીં કેમ જ્યારે પણ આ વડીલ એ દિવ્યાની પાસેથી નીકળે પણ છે, તો આ દિવ્યા એને આજુબાજુમાંથી પથ્થર વીણીને મારવા માંડે. બીજા કોઈને નહીં, પણ ખાલી આ વડીલને જ પથ્થરા ફેંકીને મારે... આખી સંસ્થામાં બધાને નવાઈ લાગે, દુઃખ પણ થાય કે આ વડીલને આ દીકરી મારે છે કેમ ?

પણ આ વડીલે એવું ના વિચાર્યું.... વડીલે વિચાર્યું કે એ ભલે એ દીકરી મને પથ્થર મારે, પણ મારે એના હાથમાં દડો આપવો છે. અને ખરેખર આ વડીલે દિવ્યાને દડો લઇ દીધો. બીજા દિવસે દિવ્યાએ આ દડો પણ પેલા વડીલને માર્યો... પણ વડીલ મનમાં કોઈ મોટું પ્લાનિંગ કરી રહ્યાં હતા... એ દીકરીને એક પણ ઠપકો તો શું એની સામે ગુસ્સાથી જોયું પણ નહીં.... બસ કંઈક કુદરતી પ્લાનિંગ કરતા હતા એ વડીલ. અને એ પ્લાનિંગ મુજબ આયોજન કરવા માંડ્યા એ વડીલ.

દિવસ એવો ઉગાડ્યો કે પથ્થર ફેંકતી એ દીકરીને દડો ફેંકવાની રમતમાં જ હોશિયાર બનાવી દીધી. પછી તો તાલુકા, જિલ્લા કક્ષાએ વોલીબોલમાં રમવા મોકલી અને એ દીકરી વિજેતા થઈ. રાજ્ય કક્ષાએ પણ જીતી અને રાજ્ય સરકારે અમેરિકામાં લોસ એન્જેલસ ખાતે આવી જ સ્પર્ધામાં મોકલી અને ત્યાં પણ ભારતનું નામ રોશન કર્યું. એને લાખો રૂપિયાના ઈનામો મળ્યા.... પછી તો એવું થયું, પોતાની દીકરીની આવી સિદ્ધિ જોઈને એના પિતા એને પુન: અપનાવી લ્યે છે. એની પત્ની સાથે પણ સમાધાન કરી લ્યે છે. આજે ત્રણેય ખુશીથી જીવે છે. જે દીકરીને લીધે આખું ઘર તૂટ્યું હતું, એ જ દીકરીના હાથમાં દડો પકડાવવાથી આજે એ ઘર ફરીથી બંધાઈ ગયું....

આમાં સવાલ એ જ થાય છે જો એ દીકરીને એ વડીલે દડો ન આપ્યો હોત તો ? તો આજે પણ દિવ્યા બીજા દિવ્યાંગોની જેમ જિંદગી જીવતી હોત, કણસતી હોત, અને કુદરતનો અફસોસ કરતી હોત... અને કદાચ એવું વિચારી પણ ન શકતી હોત.

પણ હવે દુઃખની વાત એ છે કે દિવ્યા જેવી અનેક દીકરીઓની જિંદગી સુધારનારા આ વડીલ હવે આપણી વચ્ચે રહ્યા નથી. ગત તા. ૨૦/૦૧/૨૦૨૬ના રોજ એમને વિદાય લીધી અને દિવ્યા જેટલી અનેક દીકરીઓને ખરા અર્થમાં "નિરાધાર" મૂકી ગયા...

આ વડીલનું નામ ગિરીશભાઈ પટેલ. અમરેલી જિલ્લાના ચલાલાની બાજુના ગામડાના વતની એવા ગિરીશભાઈએ સેવાભાવી શિક્ષિકા માનનીય નીરૂબેન રાવલના કાર્યોથી પ્રેરાઇને નીરૂબેન સાથે જ હાજીપુર ગામમાં દિવ્યાંગ દીકરીઓને સાચવવા અને જીવાડવા માટે "મંથન" સંસ્થાનો પાયો નાખ્યો...

એ સંસ્થા વિશે ફરી ક્યારેક વિગતવાર જણાવવા હું વચન આપું છું. પણ અત્યારે દુઃખ છે, ગ્લાનિ છે, પીડા છે ગિરીશભાઈની ગેરહાજરીથી... સંસ્થાની દીકરીઓ એને ગિરીશમામા કહેતી. ખરેખર એ આવી દીકરીઓ માટે એક નહી પણ બે બે મા જેવા હતા (મા+મા = મામા)...

એમના અને નિરુદીદીના પ્રેમ અને જાતબલિદાનથી મંથન સંસ્થા આજે દિવ્યાંગ દીકરીઓના જીવનઘડતરનું સાચું સરનામું બની છે. આ દુનિયામાં કેટલાક માણસોના ચહેરા ખીલેલા લાગતા હોય છે, તો અમુકના ચહેરા સ્વંભુ જ હસતા લાગતાં હોય છે. અને ગણ્યાં-ગાંઠ્યા લોકોના ચહેરા "આવકારતા" દેખાતા છે. ગિરીશમામા આ ત્રીજા પ્રકારના કુળવાળા માણસ લાગતા. એની સામે જુઓ તો એવું જ લાગે છે એ આપણને આવકારે છે....

ઘણા માણસોના જવાથી આપણે એવું બોલીએ કે એક આખો યુગ પૂરો થઈ ગયો. ગિરીશમામાના ન રહેવાથી એવો ડર લાગે કે માણસ જાતમાંથી એક સંસ્કાર ઓછો થઈ જાશે. આ સંસ્કાર હતો સેવા કરવાનો સંસ્કાર...

"વાત સેવાની" પરિવાર તરફથી ગિરીશ મામાને અશ્રુભીની શ્રદ્ધાંજલિ 🙏

*જય ગૌમાતા... જય ગૌશાળા*ગૌમાતાની જય તો બધા બોલતા જ હોય છે. પણ આજે આપણે ગૌશાળાની જય બોલાવવી છે. કારણ કે ખરેખર આ ગૌશાળા ખર...
22/01/2026

*જય ગૌમાતા... જય ગૌશાળા*

ગૌમાતાની જય તો બધા બોલતા જ હોય છે. પણ આજે આપણે ગૌશાળાની જય બોલાવવી છે. કારણ કે ખરેખર આ ગૌશાળા ખરા અર્થમાં સેવાનું ધામ છે. લોકસેવા કરવી કઠીન છે, પણ પશુ સેવામાં ક્ઠીનતા બમણી હોય છે. તોયે સેવા કરવામાં જેણે જન્મારો સોંપી દીધો છે એવા સેવાભાવીઓના દર્શન કરવા હોય તો ઉતર ગુજરાત ના દિયોદર તાલુકાના ભેંસાણા ગામ સુધી જવું પડે.

મહાન સંત પરમ પૂજ્ય દાસારામ બાપાના જન્મસ્થળ એવા આ ગામમાં ઠાકોર પરિવાર બે દીકરીઓ રમાબેન અને શારદાબેનને એક દિવસ ભાભર ગામના કોઈ પરિવારે એક ગાય ભેટમાં આપી. એ ગાયની સેવા કરવામાં આ બંને બહેનોએ કંઇ બાકી ન રાખ્યું. અને પછી તો ગૌસેવામાં આ બંને બહેનોનું એવું મન લાગ્યું કે બંનેએ માનવીય સંસાર છોડી દીધો અને ગૌ સંસાર અપનાવી લીધો. રસ્તે રખડતી હોય, બીમાર હોય કે લાચાર હોય એવી ગાયોની સેવા કરવા લાગ્યા. ધીમે ધીમે આ સેવાથી એટલી ગાયો અને લોકો આકર્ષાયા કે આ ગામમાં એક વિશાળ ગૌશાળા નિર્માણ પામી.

૩૩ એકર માં કાર્યરત્ આજે આ ગૌશાળામાં ૨૫૦૦ થી વધુ ગાયો નિવાસ કરી રહી છે. અને એટલા જ બીજા જીવો અહીં વસે છે. બીમાર ગાયોની સેવા કરવામાં માટે અહીં ખાસ વ્યવસ્થા પણ છે અને મહિને ૪૦૦ જેટલી બીમાર અને અશક્ત ગાયોની સારવાર થાય છે.

ગૌસેવા માટે જ જન્મારો સોંપી દેનારા બંને બહેનોમાં રમાબેન આજે ગોલોક ધામ નિવાસી બની ગયા છે. પણ તેના સંસ્કારો સાથે શારદાબેન અને ગામના લોકો તેમ જ આ વિસ્તારના સખાવતીઓએ આ ગૌશાળાને મંદિર જેટલી પવિત્રતા આપી દીધી છે. આ વિસ્તારે જનાર માણસ આ ગૌશાળાના દર્શન કરે તો ગોકુળ મથુરા ગયા જેટલો અહોભાવ થશે.

જય ગૌશાળા...

20/01/2026

માનવસેવા એ જ માધવસેવા

19/01/2026

"સેવા પરમોધર્મ"... આ ઉક્તિને સાર્થક કરનારા અનેક અલગારી માણસો લોકોની અનેકાનેક પ્રકારે સેવા કરી રહ્યાં છે. આવા સેવકોને લીધે જ સમાજમાં ઘણે અંશે દુઃખો દૂર થયાં છે...

અમદાવાદ શહેરમાં કાર્યરત આશીર્વાદ ફાઉન્ડેશન નામની સંસ્થાએ ગુજરાત અને ભારતભરમાં સેવા કરીને લોકોના જીવનમાં સુખનો ઉમેરો કરનારા સાચા અને નિસ્વાર્થ લોકસેવકોનું સન્માન કરવાનું એક ભગીરથ કાર્ય છેલ્લા ૧૦ વર્ષોથી આરંભ્યું છે... દર વર્ષે ૧૧ ધરતીના રત્નોને ખોળીને તેને રાજ્યના મહાનુભાવોના હસ્તે સન્માનની સાથે પ્રોત્સાહક રાશી અને પ્રેમાળ કૃતગ્નતા વરસાવવામાં આવે છે. ગત ૧૮ જાન્યુઆરીના રોજ આવી જ રીતે આવા ૧૧ ધરતીરત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેટલા અભિનંદન આ ધરતીરત્નોને આપીએ કદાચ એથી વધુ અભિનંદન આ સંસ્થા માટે હોય...

08/09/2024

રસ્તે રજળતા બિન વારિસ, પીડિત અને નિરાધાર લોકો માટે અદ્ભુત સેવા કરી રહી છે સુરતની આ સંસ્થા...

જેનું કોઈ નથી તેના માટે બધું જ છે અહી....

પરીપકારનું કામ કરતી આ સંસ્થાના કાર્યો જોવા માટે આ લિંક ઉપર ક્લિક કરો.

https://youtu.be/648KfZahFps

Address

Ahmedabad
380051

Website

Alerts

Be the first to know and let us send you an email when Vat Sevani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share