17/07/2026
આપણા સિડનીમાં ગરબાની સીઝન પૂરબહારમાં ખીલી છે. કારણ કે ગરબા એ નૃત્યનો માત્ર એક પ્રકાર નથી. એ આપણી આસ્થા, આપણી પરંપરા, આપણી એકતા અને ઉત્સવની અભિવ્યક્તિ છે. ગરબા એટલે આપણું ગૌરવ અને શું કામ ન હોય. ગરબા એ કોઈ પણ જાતિ, ધર્મ કે વર્ગના ભેદભાવ વગર તમામ લોકોને એક તાંતણે બાંધતું એવું લોકનૃત્ય છે જેને યુનેસ્કોની યાદીમાં અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે સ્થાન મળ્યું છે.
પણ શું ગુજરાતી એટલે ફક્ત ગરબા જ ? શું એ જ આપણી સંપૂર્ણ ઓળખ છે ? ના સહેજ પણ નહિ !! અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે ગુજરાત કે ગુજરાતીની ઓળખ અહીં પૂરી નથી થતી. ગુજરાતી એટલે મા સમાન મધુર માતૃભાષા, વિશ્વને પ્રેરણા આપતું અદ્વિતીય સાહિત્ય, સુગમ અને લોકસંગીતની અનોખી પરંપરા, રંગભૂમિ, લોકકલા, પત્રકારત્વ અને સિનેમા જેવા ક્ષેત્રે કાર્યરત અસંખ્ય સર્જકોનો અવિરત વારસો.
અને એટલે જ અમારી સંસ્થા GALAA લઈને આવી રહી છે, વીર કવિ નર્મદના માનમાં ઉજવાતા "વિશ્વ ગુજરાતી દિવસ" નિમિત્તે એક અનોખો કાર્યકમ જેનું નામ છે "સિડનીનાં હૈયે ધબકતું ગુજરાત...".
શું તમે કે તમારાં બાળકો સરસ ગુજરાતીમાં બોલે છે કે ગઝલ કે કવિતા ગાઈ શકે છે કે સરસ પઠન કરી શકે છે કે પછી ગુજરાતી ગીત ગાય છે કે એના પર સરસ નૃત્ય કરે છે તો આ કાર્યક્રમ એટલો જ તમારો પણ છે. અને કંઈ નહિ તો જો આપણી માતૃભાષાને દિલથી ચાહો છો તો આ કાર્યક્રમમાં સહપરિવાર સહભાગી થઈ આવા સુંદર મજાના કાર્યક્રમને માણી તો શકો જ છો.
આવા સરસ મજાનાં કાર્યક્રમમાં હાજરી આપવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરી વહેલાસર રજીસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી જેથી અલ્પાહારની વ્યવસ્થા માટે સરળતા રહે.
https://advancebooking.com.au/event/vishwa-gujarat-day/132
વિશ્વ ગુજરાતી દિવસ કાર્યક્રમમાં હશે:
• ભાષાનું ગૌરવ - જ્ઞાન સાથે ગમ્મતને સંગ,
• નાનાં-મોટાં જમાવશે સુગમસંગીતના રંગ,
• પ્રશ્નોત્તરીમાં ખીલશે સાહિત્યનો સત્સંગ,
• ગીતો-લોકગીતોના તાલે ખીલશે નૃત્યનો ઢંગ,
• ત્રણ પેઢી સાથે જીવંત થશે રંગભૂમિનો ઉમંગ,
• પરંપરાગત વસ્ત્રોમાં ખીલશે ગુજરાતના તરંગ,
• પ્રતિભા સન્માને પૂર્ણ થશે ગૌરવનો પ્રસંગ.
શું તમે કે તમારાં બાળકો ઉપર જણાવેલી કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેવા ઈચ્છો છો તો આપ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને અમને જણાવી શકો છો જેથી અમારી ટિમ આપની સાથે મળીને બધું ગોઠવી શકે.
https://tinyurl.com/VishwaGujaratiDivas2026
જો આપણે આપણી ભાષા બોલીશું, ગુજરાતી ગીતો ગાઈશું, આપણું રસપ્રદ સાહિત્ય વાંચીશું, આપણા સ્થાનિક કલાકારોને વધાવીશું, આપણી ભાતીગળ સંસ્કૃતિ જીવંત રાખીશું અને ખાસ તો આ બધું આવનારી પેઢીમાં પણ વહેતું કરીશું, તો જ આવનારી પેઢી ગર્વથી કહી શકશે કે "હું ગુજરાતી છું."
વિશ્વ ગુજરાતી દિવસ એ માત્ર એક કાર્યક્રમ નથી પણ આપણી ઓળખને આવનારી પેઢી સુધી પહોંચાડવાનો અમારો દ્રઢ સંકલ્પ છે. જો ગરબા આપણું ગૌરવ છે તો ગુજરાતીપણું આપણું અસ્તિત્ત્વ. આ અસ્તિત્ત્વને ટકાવી રાખવા માટે માત્ર ઉજવણી પૂરતી નથી પરંતુ આવનારી પેઢીમાં માતૃભાષાનાં જતન માટેના બીજ રોપાય એ માટે આપણા સહુની પ્રતિબદ્ધતા પણ એટલી જ મહત્ત્વની છે.
: તો આવો, આપણે સહુ વિશ્વ ગુજરાતી દિવસની ઉજવણીમાં જોડાઈએ. આ ગરબાની સીઝનમાં એક દિવસ એવો પણ રાખીએ જેમાં થોડાં કલાકો આપણે ફક્ત ગરબાને નહિ પણ ગુજરાતી ભાષા, સાહિત્ય, સંગીત, કલા અને સંસ્કૃતિને પણ એટલું જ પ્રેમ અને માન આપીએ. આશા રાખીએ કે આ કાર્યક્રમને સફળ બનાવવા આપનો સાથ અને સહકાર અમને સાંપડશે..!!
- ટિમ GALAA